Sidhpur

ભાગ-1.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

-કવિ નર્મદની “જય જય ગરવી ગુજરાત” કવિતાનો અંશ

RUDRAMAHALAYA004
રૂદ્રમહાલય અવશેષ સિદ્ધપુર

વર્ડપ્રેસ પર મારો પ્રથમ લેખનો વિષય શું હોવો જોઇએ? ઘણા વિષયો મનના સ્ક્રીન પર સ્ક્રોલ થયા પછી અંતે મારુ પ્રિય મારું પોતાનું શહેર કે જે ભવ્ય સોલંકી યુગના સુવર્ણ સમયને ફરીથી પામવાની તાલાવેલીનો જ્વાળામુખી ધરબીને બેઠું છે એવા સિદ્ધપુર પર જ મન અટક્યુ.તો લો કરી લો રસાસ્વાદ મીઠી મધુરી શેરડી જેવો ગળ્યો,તીખા તમતમતા મરચા જેવો તીખો,વરીયાળી જેવો ઠંડો,હાથ જેવડા મુળાના જેવો તીખાો-તુરો-મિઠો,મગદળના લાડુ જેવો સ્વાદીષ્ટ સિદ્ધપુરનો.

પ્રાચીન કાળથી લઇ અર્વાચીન કાળ સુધી  આ શહેર ઘણી ચડતી પડતીનું સાક્ષી બન્યું છે.માં સરસ્વતીને ખોળે વસેલુ આ શહેર બારેમાસ બે કાંઠે વહેતી સરસ્વતીના પ્રવાહમાં ચાલતા વહાણો થી લઇ આજે સુક્કો ભંઠ થઇ ગયેલા પટનુ સાક્ષી છે.શ્રીસ્થળ થી સિદ્ધપુર સુધીની સફરમાં અનેક પડાવો અને ગાથાઓ વણાયેલ છે.

સમયના ચક્રને રીવર્સ કરીને જોઇએ તો આજની કુંવારીકાજી તે વખતે કુંવારીકા નહોતા.હિમાલયમાંથી ઉદ્-ગમ પામીને  અરબી સમુદ્રને મળતા શ્રી સરસ્વતી માતાનો પ્રવાહ સમગ્ર ભારતને પાવન કરતો કરતો શ્રીસ્થળના કાંઠે થઇ આગળ વધતો.સરસ્વતીનો પ્રવાહ કેવી રીતે લુપ્ત થયો? અત્યારે જમીન નીચે વહેતો પ્રવાહ ક્યાંથી વહે છે? આ બધા પ્રશ્નોનો જવાબ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી મેળવવાનો પ્રયત્ન થાયતો આખી એક વિદ્યાશાખાનો ઉદ્ ભવ થાય તેમ છે.http://www.readwhere.com/read/496267/Bhuj/BHUJ#page/10/2

માન્યતાઓમાં શ્ર્રદ્ધા કરીએ તો દધીચી ઋષિએ  દેવોના અસુરો સામેના રક્ષણ માટે વજ્ર બનાવવા પોતાના કરોડરજ્જુનુ દાન આ સ્થળે જ કરેલુ.પાંડવોએ અજ્ઞાતવાસ દરમ્યાન અહીં થોડો સમય વસવાટ કરેલો એ સ્થળ અત્યારનુ વટેશ્ર્વર માનવામાં આવે છે.સમગ્ર વિશ્ર્વને ફિલોસોફી (તત્વજ્ઞાન) નુ જ્ઞાન કરાવનાર મહાન ફિલોસોફર એવા ભગવાન કપીલ કે જેમણે “सांख्य”  ફિલોસોફીકલ અભ્યાસકેન્દ્રોની  સમગ્ર ભારતમાં સ્થાપના કરી તમનું એક અભ્યાસકેન્દ્ર પણ આ પવિત્ર સ્થળે સ્થાપીત હતું. જો માન્યતાઓને સાચી માની લઇએ તો “બિંદુ સરોવર”નું સ્થળ આ અભ્યાસ કેન્દ્ર હતુ.વેદો,પુરાણોમાં ઘણા મહાન તપસ્વીઓ અંહી થઇ ગયાનો ઉલ્લેખ જોવા મળે છે.

દોસ્તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે વૈજ્ઞાનીક પુરાવાનું જ અંતર હોય છે.સિદ્ધપુર વિષે ઘણી બધી ચમત્કરીક વાતો છે જે તમે થોડુ ગુગલીંગ કરી જાણી શકશો પરંતુ હું ફક્ત  તથ્યો જ રજુ કરવા માંગુ છું આ કારણે અતાર્કીક વાતોનો હું  સમાવેશ કરી શકીશ નહીં.

Vanraj_Chavda_Gujarat_Ruler
વનરાજ ચાવડાની પ્રતીમા

જ્યારે સિદ્ધપુરના ઇતિહાસ કે વર્તમાનનો ઉલ્લેખ થાય ત્યારે પાટણને અલગ પાડી શકાય નહીં.એક બાળક જે ધરતી ઉપર પોતાના શૌર્ય,ચાતુર્ય અને પિતાની હારનો બદલો લઇ પોતાના વંશના શાસનનુ પુન:સ્થાપન કરવાની અડગ અટલ લગન થી પોતાની જાતને લોખંડ જેમ ધકધકતી ભઠ્ઠી માં તપી વજ્ર બને તવી જ રીતે ઢાળીને સત્તા હાંસલ કરે તે સિદ્ધપુર-પાટણની ધરતી નો પ્રભાવ જ છે. એ બાળક એટલે બીજુ કોઇ નહીં પણ વનરાજ ચાવડા.વનરાજે ઇ.સ.746મા જીગરજાન દોસ્ત અને હરકદમ સાથ આપનાર “અણહિલ”ના નામ ઉપર અણહીલપુર-પાટણની રાજધાની તરીકે સ્થાપના કરી ત્યારથી ઇતીહાસમાં સિદ્ધપુર-પાટણનો સમાવેશ થયો.આ પહેલા કોઇ ડોક્યુમેન્ટેશન થયેલુ નહોતુ.વનરાજની માતા રૂપસુંદરીએ  પોતાના પતિ જયશિખરીના બલીદાન અને  પંચાસર રાજ્યના પરાજય પછી પોતાના ગર્ભમાં રહેલ સંતાન માટે વનમાં ભાગી જઇ સંતાઇ જવુ પડ્યુ અને આવા કપરા સમયમાં પુત્રન જન્મ આપ્યો.વન માં જન્મ થયો હોવાથી પુત્રનુ નામ વનરાજ પાડ્યુ.પ્રતાપી વનરાજે કપરી કસોટી માંથી પાર ઉતરી પિતાના બલીદાન નો બદલો લઇ ચાવડા વંશની પુન: સ્થાપના કરી.

 

નિર્વિવાદ રીતે સત્ય છે કે જ્યાં ભરોસો હોય ત્યાંથી જ દગો થવાની સંભાવના સૌથી વધારે હોય છે. ચાવડા વંશના છેલ્લા શાસક સામંતસિંહ આનો જ શિકાર બન્યા.પોતે નિસંતાન હોવાથી ભત્રિજા મુળરાજ સોલંકીને દત્તક લીધો પણ આ જ ભત્રિજાએ તેમને ઉથલાવી દઇ ઇ.સ. 940-41માં “સોલંકી વંશ”ની સ્થાપના કરી દિધિ.

RUDRAMAHALAYA001
રૂદ્રમહાલય અવશેષ સિદ્ધપુર

મુળરાજે સિદ્ધપુરનો પ્રખ્યાત રૂદ્રમહાલય બંધાવ્યો.આ મહાલય કાંઠે રેતાળ પથ્થરો (સેન્ડસ્ટૉન)માંથી બનાવવામાં આવેલો છે.  તેના ચાર સ્તંભ તથા તેની ઉપરના કલાત્મક કોતરણીકામ ઉપરથી મૂળ સ્થાપ્તયની ભવ્યતા તેમ જ કલાસમૃદ્ધિની પ્રતીતિ થાય છે. મનોહર શિલ્પો અને કલાત્મક કોતરણીવાળા રુદ્રમહાલયની લંબાઈ ૭૦ મીટર તથા પકોળાઈ ૪૯ મીટર છે. ભારતીય પુરાતત્વ ખાતાની માહિતી પ્રમાણે રુદ્રમહાલય બે માળનો હતો. તેની ઊંચાઈ ૧૫૦ ફૂટ હતી. રુદ્રમહાલયની આસપાસ બાર દરવાજાઓ અને અગિયાર રુદ્રોની દેવકુલિકાઓ હતીઆ શિવમંદિરના શિખર પર ઘણા સુવર્ણકળશ હતા. લગભગ ૧૬૦૦ ધજાઓ ફરકતી હતી. રુદ્રમહાલયના સભામંડપના ઘુમ્મટોની કિનારો તથા પ્રસંગોથી કંડારાયેલી હતી.મહાલયની ટોચ પરથી પાટણ ની પનીહારીઓના બેડા સવારના સુ્ર્યના તડકામાં ચમકતા જોઇ શકાતા.

સિદ્ધપુર-પાટણ ની સ્થાપના અને પ્રજા કલ્યાણના કાર્યોમાં મહાન માતાઓ ની ભુમિકા અનન્ય,અતુલનીય છે. વનરાજની માતા રૂપસુંદરી હોય કે ભીમદેવ પહેલાના રાણી અને કર્ણદેવના માતા ઉદયમતી કે પછી કર્ણદેવના રાણી અને મહાન સમ્રાટ સિદ્ધરાજ ના માતા મિનળદેવી. તમામ માતાઓએ પોતાના સંતાનોની જેમ જ પ્રજાને પ્રેમ કર્યો અને પોતાના પુત્રોને અપ્રતિમ શોર્યની સાથે સાથે પ્રજાનુ કલ્યાણ કરવાના સંસ્કાર પણ આપ્યા.

મહેલો,મહેલાતો,રાજમાર્ગો, આજના કહેવાતા આધુનીક સમયમાં પણ નથી તેવી સુનિયોજીત ગટર વ્યવસ્થા,માનવીતો ઠીક પણ પશુ-પંખી પણ તરસ્યા ન રહે તેવુ જળવ્યવસ્થાપન, ન્યાય,વિવિધ વિદ્યામાં નિષ્ણાતોને રાજ્યાશ્રય,દરેક કલાનો વિકાસ, અભ્યાસ કેન્દ્રો,પુસ્તકાલયો,યુદ્ધ કલામાં નિપુણ સૈન્ય,પ્રજા વત્સલ વહિવટ આ જાહોજલાલીનો શ્રેય સોલંકી વંશના પ્રજાપાલક રાજપુત રાજાઓને જ જાય.મુળરાજ સોલંકીના વંશજ ભિમનાથ પહેલાએ મોઢેરાનું પ્રખ્યાત સુર્યમંદિરનુ નિર્માણ કરાવ્યુ જે આજે પણ વર્લ્ડ હેરીટેજ તરીકે હયાત છે.આ આર્કીટેક્ચરલ મિરેકલનો અભ્યાસ કરતા જ  સોલંકી યુગમાં વિવિધ વિદ્યાનો કેટલો બધો વિકાસ થયો હશે તેનો અંદાજ લગાવી શકાય.

rankivav001
રાણકી વાવ પાટણ

ખુબ જ બારીક કોતરણીકામ કરેલા દેવી-દેવતાઓના શિલ્પો તેની આજુબાજુ પત્થરોમાંથી ટપકતો કામણગારા દેહલાલીત્ય ધરાવતી રમણીઓ-અપ્સરાઓનો શુંગારસર,અદ્-ભુત રીતે કોતરેલ લતાઓ ,પુષ્પો,….,..જ્યાં નજર જાય ત્યાં બસ કલાકારીગરીનું અદ્ધિતિય પ્રદશન.સત્યાવીસ મીટર ઊંડે સુધી પથરાયેલ સાત સાત માળમાં જાણે હમણા જીવંત થઇ ઉઠશે તેવી બેનમુન મુર્તીઓનો ખજાનો દરેક માળને અડિખમ આધાર આપતા કલાત્મક થાંબલાઓ આ બધુ જ જાણે કે આર્ટ,આર્કીટેક્ચર અને વોટર મેનેજમેન્ટ સિસ્ટમનો ભરેલ “અમ્રુત કલશ” એટલે “રાણકી વાવ” કે જેનુ નિર્માણ ભિમનાથ પહેલાના રાણી ઉદયમતીએ પ્રજાના કલ્યાણ અર્થે અગીયારમી સદીમાં કરાવેલ. ઘણા વિદ્વાન આંતરરાષ્ટ્રીય  પુરાતત્વવિદોએ આ વારસાને સમગ્ર વિશ્વમાં ક્યાંય ન હોય તેવો બેજોડ ગણાવેલ છે.

rani_ki_vav003
રાણકીવાવા પાટણ સુંદર કોતરણી

વર્તમાન મેગાસિટિ બનવા જઇ રહેલ અમદાવાદ કે જેનું મુળ નામ કર્ણાવતી હતુ  તેની સ્થાપના ભિમદેવ-ઉદયમતીના નાનાપુત્ર કરણદેવે પોતાના નામ ઉપરથી ઇ.સ.1070માં કરી.મોટાભાઇ ક્ષેમરાજને રાજગાદીમાં રસ ન હોવાથી કરણદેવને ગાદી ઇ.સ.1064માં મળી હતી.સોલંકી વંશની શોર્ય,પરાક્રમ વિરતાની પરંપરા કરણદેવે પણ જાળવીને રાજ્યનો વિસ્તાર ઉત્તરમાં નાદુલથી લઇ દક્ષીણમાં છેક કોંકણ સુધી વિસ્તાર્યો.રાજ્યના વિસ્તારની સાથે દિલના તાર પણ દક્ષીણની કાદમ્બ ના જયકેશી રાજાની રાજકુમારી મિનળદેવી સાથે મળ્યા.કરણદેવ-મિનળદેવીના પુત્ર સિદ્ધરાજ જયસિંહનો જન્મ ઇ.સ.1081માં થયો. આ સમય કરણદેવ માટે કસોટી કાળ હતો ઘર ફુટે ઘર જાય તે કહેવત અહીં સાચી પડી રહી હતી.અંદરોઅંદરના વિખવાદને કારણે સોલંકીનુ રાજ નબળુ પડી રહ્યુ હતુ.સામંતો એક પછી એક સ્વતંત્ર થવા માંડ્યા હતા.ઉપરાંત માળવા સામે કરણદેવની હાર થતા તે પોતે જ ખંડિયારાજા બની ગયા હતા.છેવટે 1094માં કુશલાલ ચૌહાણે યુદ્ધમાં કરણદેવને હરાવી તેમની હત્યા કરી નાખી ત્યારે સિદ્ધરાજ અને માતા મિનળદેવીનો કપરો કસોટી કાળ આવ્યો. અચાનક પિતાના મ્રુત્યુને લિધે માત્ર તેર વર્ષના સિદ્ધરાજ જયસિંહને રાજગાદીની જવાબદારી સંભાળવી પડી.સમય કપરો હતો પણ માતા મિનળદેવીએ રાજમાતાની રૂએ તમામ એડમિનિસ્ટ્રેટેવ કાર્ય પોતાના હાથમાં લઇ પ્રધાનમંડળની સ્થાપના કરી રાજ્ય સુચારૂ રીતે ચાલે તેની વ્યવસ્થા કરી. સાથે સાથે  સિદ્ધરાજ યુદ્ધ,એડમિનિસ્ટ્રેશન તથા અન્ય વિષયો અને કલાઓમાં નિપુણ બને તેવી વ્યવસ્થા કરી.સિદ્ધરાજે પણ માતાના ભગિરથ પ્રયત્નોને અનુરૂપ પોતાની જાતને મજબુત બનાવી.આ રીતે સોલંકી વંશના સૌથીપ્રતાપી શાસકનો  ઉદય થઇ રહ્યો હતો.

સિદ્ધરાજે શાસન ને દ્રઢ બનાવવાની શરૂઆત તેના પોતાના જ સ્વજનોને કાબુમાં રાખવાથી કરી.વર્ષો સુધી સત્તા ભોગવતા પ્રધાનો પણ તેમના માટે પડકાર બની ગયા હતા.સ્વજનો અને પ્રધાનો ઉપર વર્ચસ્વ પ્રાપ્ત કર્યા બાદ સામંતોનો વારો હતો.સિદ્ધરાજે પોતાના બુદ્ધી,ચાતુર્ય અને શૌર્યનો લાભ લઇ સામંતોને પણ કાબુમાં કરી દિધા.કાયમી દુશ્મન અને પોતાના પિતાને ખંડીયા બનાવનાર માળવા ઉપર ભયંકર આક્રમણ કરી માળવાના યશોવર્માને હરાવ્યો.કાયમી દુ્શ્મન હોવાથી હારેલા વશોવર્માને ખંડીયો બનાવવાને બદલે મ્રુત્યુદંડ આપવા માગતા સિદ્ધરાજને તેના મંત્રી મુંજાલે રોકી માળવાના રાજાને કારાવાસની સજા ની સલાહ આપી જેને સિદ્ધરાજે માન્ય રાખી.માળવામાં સિદ્ધરાજે પોતાના એડમિનિસ્ટ્રેટરની નિમણુક કરી.અજમેરના રાજા ઉપર વિજય મેળવી સબંધો મજબુત કરવા પોતાની પુત્રિ કાંચનદેવીના લગ્ન અજમેરના રાજા સાથે કર્યા. રાક્ષસી તાકાત ધરાવતો  આદિવાસી નાયાક બાબરો ભુત પ્રજાને રંજાડતો તેને હાથોહાથની લડાઇમાં હરાવી મ્રુત્યુદંડ ન આપી જીવતદાન આપી પોતાનો ખાસસેવક બનાવ્યો.પોતાની ગેરહાજરીમાં પાટણ ઉપર ચડાઇ કરનાર જુનાગઢના રા ખેંગારને બે પુત્રો સાથે હણ્યો.

જ્યાં પ્રજા સુધી પરાક્રમોના મિઠા ફળ પહોંચે નહીં તેવા શાસનો લાંબુ ટકતા નથી આ વાત” મહારાજાધીરાજ પરમેશ્વર” સિદ્ધરાજ અને તમના પ્રત્યેક નિર્ણયના સલાહકાર રાજમાતા મિનળદેવી ખુબ સારી રીતે જાણતા હતા.આથી સતત ચડાઇઓ અને લડાઈઓ વચ્ચે પણ તે પ્રજાને ક્યારેય ભુલ્યા નહીં.તેમનો સમય ગાળો પ્રજા માટે તો જાણે સુવર્ણયુગ હતો.રાજ્યમાં ધન,ધાન્ય,જળાશયો,વિશાળ માર્ગો મકાનોનુ બાંધકામ,દરેક વિદ્યાઓનો વિકાસ,નિષ્ણાત આચાર્યોને દરબારમાં સ્થાન એમ દરેક પ્રકારે જાહોજલાલી હતી.હેમચંદ્રાચાર્ય હસ્તે “સિદ્ધહેમ”ગ્રંથ ની રચના કરાવી પોતાના હાથી પર અંબાડીમાં પાટણના રાજમાર્ગો પર શોભાયાત્રા કાઢી તે જ તેમની જ્ઞાન પ્રત્યેની લગન દર્શાવે છે.

sahastralinga-talav-10
સહસ્ત્રલિંગ તળાવના અવશેષ

સિદ્ધરાજે રૂદ્રમહાલય અને સહસ્ત્રલિંગ તળાવ બંન્નેનું સમારકામ કરાવી બંન્ને સ્થાપત્યોને પહેલા કરતા પણ ઘણા ભવ્ય બનાવ્યા હતા.પુર્વજ દુર્લભસિંહે બંધાવેલ નાના તળાવને  વિશાળ વોટર મેનેજમેન્ટ સિસ્ટમમાં વૈજ્ઞાનિક રીતે રૂપાંતરીત કરી સરસ્વતી નદીના આખા પ્રવાહનુ મેનેજમેન્ટ જ્યાં થતુ એ સહત્રલિંગ તળાવને “તળાવ” શબ્દથી ખરેખર તો ન્યાય મળતો નથી. નાના નાના ટાપુઓ પર બંધાયેલાં દેવાલયો અને ક્રીડાંગણોની આસપાસ વહેતું સરસ્વતીનું પાણી આગળ ચાલ્યું જતું હતું. તેની આસપાસ સહસ્ત્ર શિવાલયોની કટિમેખલા હતી અને પ્રત્યેક શિવાલય વિશાળ હતું. તેના કાંઠા પર બ્રાહ્મણોના યજ્ઞકાર્યો માટે સત્રશાળાઓ, એકસો આઠ દેવીમંદિરો, વિષ્ણુના દશાવતારનું એક મંદિર અને વિદ્યાર્થીઓ અને તેમને ભણાવનાર અધ્યાપકોને રહેવા માટેના વિશાળ મઠો હતાં.

rudra-mahalaya-6
રૂદ્રમહાલયના અવશેષ સિદ્ધપુર

સિદ્ધરાજે પોતાનાનામ ઉપરથી જ સિદ્ધપુરનગરનું નામાનિધાન કર્યુ હતુ.રૂદ્રમહાલયના નવીનીકરણ પછી સિદ્ધરાજે સરસ્વતીના ઘાટ”માધુ પાવડીયા(પગથીયા)”ના વિશાળ પગથીયાઓ ઉપર બ્રાહ્મણોને દાન કરવા માટે સોના,ચાંદી,હિરા,માણેક,જરજવેરાત પાથર્યા પરંતુ મુળ સિદ્ધપુરના તપોધન બ્રાહ્મણો મહેનત વગરનું લેવામાં પાપ સમજતા હતા તેથી તપોધનો કે (જેમનું ધન તો “તપ” જ છે) એ દાન લેવાનો નમ્ર ઇનકાર કરી દિધો. રાજા પણ ટેક વાળા હોવાથી આ ધન પાછુ રાજના ખજાનામાં લેવાનો ઇનકાર કરી દીધો.આ સમસ્યાનો ઉકેલ લાવવા રાજાએ મથુરાથી વિદ્વાન સહસ્ત્ર(એક હજાર) બ્રાહ્મણોને આમંત્રિત કર્યા  જે “ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ” તરીકે ઓળખાયા.આ મથુરાના બ્રાહ્મણો એક વાર દાન સ્વીકારે તો પાછા જઇ શકે તેમ ન હોવાથી રાજાએ દરેક કુટુંબને યજમાન વ્રુત્તી માટે એક એક ગામડાનો હક્ક આપ્યો જે પરંપરા આજે પણ અસ્તીત્વમાં છે.સિદ્ધપુર આવીને વસેલા આ વિદ્વાન બ્રાહ્મણો વેદ,ઉપનીષદો,પુરાણોના જાણકાર અને અભ્યાસુ હતા.

સિદ્ધરાજને પુત્ર ન હોવાથી તેમણે વારસદાર તરીકે તેમની પુત્રિના પુત્ર સોમેશ્વરને નક્કી કર્યો હતો અને તમની સાથે પાટણમાં જ રાખ્યો હતો.ઇ.સ.  1143માં વિક્રમસંવત  1199ના કાર્તિક સુદ બીજના રોજ સિદ્ધરાજનું અવસાન થયું.રાજકીય ખટપટને કારણે સિદ્ધરાજની સોમેશ્વરને વારસ બનાવવાની ઇચ્છા પુરી થઇ શકી નહીં.તેમના દાદા ભિમદેવના બે રાણી બકુલાદેવી અને ઉદયમતી વચ્ચે ચાલતી સત્તાની ખટપટ ને ખેંચતાણ સિદ્ધરાજના વારસદાર નક્કી કરવામાં પણ આડે આવી. બકુલાદેવીનો ક્ષેમપાળ મોટો હોવા છતાં ઉદયમતીના કરણદેવનો રાજ્યાભિષેક થયો હતો.ત્યારથી બન્ને શાખાઓ વચ્ચે સત્તાની ખેંચતાણ ચાલુ હતી. જયસિંહે પોતાના કાકા દેવપ્રસાદ અને તેમના પુત્ર ત્રિભુવનપાળને હંફાવીને પોતાનું સ્થાન મજબૂત કર્યું હતુ.દેવપ્રસાદ અને ત્રિભુવનપાળ બન્નેનું અવસાન રહસ્યમયસંજોગોમાં થયેલ હોવાનું મનાય છે.આજ ત્રિભુવનપાળના પુત્ર કુમારપાળ રાજકીય ખટપટના બળે સોમેશ્વરની જગ્યાએ રાજગાદીએ બેઠા.આ ઘટનાક્રમમાં ખંભાત બંદરના બાહોશ આંતરરાષ્ટ્રીય વેપારી ઉદયન મહેતાનો કુમારપાળને ટેકો ખુબ જ મહત્વપુર્ણ બની રહ્યો.

સિદ્ધપુરના દેથળી(દધિસ્થલી)માં જન્મેલા કુમારપાળે પણ સોલંકી વંશની પરંપરા મુજબ જ ખુબ જ સારૂ શાસન કર્યુ.તેમણે પણ હેમચંદ્રાચાર્યને ગુરૂ માની તેમની સલાહ મુજબ રાજ્ય ચલાવ્યુ.તમણે જીવહત્યા પર પ્રતિબંધ મુક્યો.સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો.તારંગા,ગીરનાર,પાલી વગેરે સ્થળે ભવ્ય મંદિરો બંધાવ્યા.સિદ્ધરાજ વખતની જ તમામ જાહોજલાલી અને ધાક તેમણે પણ જાળવી રાખી.ઇ.સ. 1172 સુધી તેમણે રાજ કર્યુ.કુમારપાળ સોલંકી વંશના છેલ્લા નોંધપાત્ર શાસક હતા.

સિદ્ધપુર-પાટણની એક મહાન સામ્રાજ્યની રાજધાની તરીકેની જાહોજલાલીનો અંત ઇ.સ.1243માં અંતીમ સોલંકી શાસક બાળ મુળરાજના વાઘેલાઓના હસ્તે પતનની સાથે આવ્યો.આ પછી 76 વર્ષ સુધી વાઘેલાઓના ખંડીયા રાજ્ય તરીકે સોલંકીઓ હતા.12મી સદીમાં મોહમ્મદ ઘોરીએ સિદ્ધપુર-પાટણનો નાશ કરી 30,000 લોકોની કતલ કરી એ પછી સિદ્ધપુર-પાટણ દિલ્હિ સલ્તનત હેઠળ આવ્યા.15મી સદીમાં મુઘલ વંશના અકબરે સિદ્ધપુર-પાટણનો ફરીથી વિકાસ કર્યો.

ક્રમશ:

 

 

 

 

 

 

 

 

 

 

 


Advertisements